પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ શાન મસૂદને હટાવી ફરી એકવાર સ્ટાર બેટ્સમેન બાબર આઝમને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે 25 જુલાઈથી શરૂ થનારી બે મેચોની ટેસ્ટ શ્રેણી પહેલાં બાબર આઝમે સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ શેર કરીને ચાહકો પાસે દુઆઓ માગી છે.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે રવાના થતાં પહેલાં બાબર આઝમે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું કે, “ફરી એકવાર નવી સફર શરૂ થઈ રહી છે. આ જવાબદારી મળવી મારા માટે ગૌરવની વાત છે અને આગામી પડકારો માટે હું સંપૂર્ણ રીતે તૈયાર છું. અમને તમારી દુઆઓમાં યાદ રાખજો.” બાબરનો આ સંદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
શાન મસૂદના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનની ટેસ્ટ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તેણે 16 ટેસ્ટ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી માત્ર 4 મેચમાં જીત મળી જ્યારે 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. તેની જીતની ટકાવારી માત્ર 25 ટકા રહી હતી. આ નબળા પરિણામોને ધ્યાનમાં રાખીને PCBએ ફરી બાબર આઝમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બાબર આઝમ અગાઉ 2020થી 2023 દરમિયાન પણ પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન રહી ચૂક્યા છે. તેના પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાને 20 ટેસ્ટમાંથી 10માં જીત, 6માં હાર અને 4 મેચ ડ્રો કરી હતી. હવે તેની સામે વેસ્ટ ઇન્ડિઝ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમને સફળતા અપાવવાનો મોટો પડકાર રહેશે.
હાલમાં પાકિસ્તાન ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાન પર છે. અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાંથી ટીમે માત્ર એકમાં જીત મેળવી છે. તેથી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પાકિસ્તાન માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને બાબર આઝમ પાસેથી ચાહકો તેમજ PCBને ઘણી આશાઓ છે.

