TEST SERIES

ટેસ્ટ કોચ બને તો મોટી સફળતા અપાવી શકે

ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સંભવિત ટેસ્ટ કોચ તરીકે રાહુલ દ્રવિડનું નામ આગળ વધારતાં તેની પ્રશંસા કરી છે. કાર્તિકના મતે દ્રવિડ ટેસ્ટ ક્રિકેટને ખૂબ સારી રીતે સમજે છે અને જો તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે તો તેઓ ઇંગ્લેન્ડની ટીમને નવી દિશા આપી શકે છે.

સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટ પોડકાસ્ટ દરમિયાન દિનેશ કાર્તિકે કહ્યું કે, “રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે ટેસ્ટ કોચ તરીકે શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. તેઓ ટીમમાં સંતુલન લાવી શકે છે, ટેસ્ટ ક્રિકેટમાં તેનો અનુભવ અસાધારણ છે અને જો તેને સંપૂર્ણ છૂટ આપવામાં આવે તો તેઓ ઇંગ્લેન્ડ સાથે શાનદાર કામ કરી શકે છે. તેઓ ખૂબ જ પરિપક્વ વ્યક્તિ છે.”

કાર્તિકે દ્રવિડની કોચિંગ ફિલોસોફીની પણ પ્રશંસા કરી હતી. તેના મતે દ્રવિડ યુવા ખેલાડીઓના વિકાસ પર ખાસ ધ્યાન આપે છે અને ટીમમાં શિસ્ત તેમજ સ્થિરતા જાળવવામાં નિષ્ણાત છે. આ ગુણો ઇંગ્લેન્ડ જેવી પ્રતિભાશાળી પરંતુ પડકારજનક ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જોકે, કાર્તિકે સાથે જ એક મહત્વનો પ્રશ્ન પણ ઉઠાવ્યો. તેણે કહ્યું કે સૌથી મોટો સવાલ એ છે કે શું રાહુલ દ્રવિડ આટલી જવાબદારીભરી પૂર્ણ-સમયની ભૂમિકા સ્વીકારવા તૈયાર થશે? આંતરરાષ્ટ્રીય ટીમના કોચ તરીકે આખું વર્ષ સતત પ્રવાસ, મેચો અને ભારે કામનો બોજ રહે છે. ઉપરાંત દ્રવિડ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપવા માંગતા હોય છે, તેથી તેઓ આવી ઓફર સ્વીકારશે કે નહીં તે જોવાનું રહેશે.

રાહુલ દ્રવિડે ભારતના મુખ્ય કોચ તરીકે સફળ કાર્યકાળ દરમિયાન ટીમને અનેક મહત્વપૂર્ણ જીત અપાવી હતી અને યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. હવે દિનેશ કાર્તિકના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે કે ભવિષ્યમાં જો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્રવિડનો સંપર્ક કરે, તો શું તેઓ નવી જવાબદારી સ્વીકારી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમને સફળતાના નવા શિખરો સુધી પહોંચાડશે કે નહીં.

Exit mobile version