ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી અફઘાનિસ્તાન સિરીઝ પહેલાં સિલેક્શન કમિટી કેટલાક મોટા નિર્ણયો લેવા તૈયારી કરી રહી છે. 6 જૂનથી ભારત પોતાના ઘરે અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે, જ્યારે ત્યારબાદ 14 જૂનથી ત્રણ મેચોની વનડે સિરીઝ યોજાવાની છે. આ સિરીઝ માટે ટીમની પસંદગી અંગે 19 મેના રોજ બેઠક યોજાશે, જેમાં ઘણા ખેલાડીઓના ભવિષ્ય અંગે ચર્ચા થવાની શક્યતા છે.
આ ચર્ચાના કેન્દ્રમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ પણ છે. હાલ ટેસ્ટ ટીમના ઉપકપ્તાન રહેલા પંત IPL 2026માં બેટિંગ અને નેતૃત્વ બંનેમાં અસરકારક પ્રદર્શન કરી શક્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI પંત પરથી ઉપકપ્તાનીની જવાબદારી હટાવવાનો વિચાર કરી રહી છે જેથી તે પોતાની બેટિંગ પર વધુ ધ્યાન આપી શકે. બોર્ડના એક સૂત્રના જણાવ્યા મુજબ પંત ભારત માટે મેચ વિનર ખેલાડી છે અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે વધારાના દબાણ વગર તે ફરી પોતાની જૂની લયમાં પરત ફરે.
બીજી તરફ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પણ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી શકે છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ પહેલાં BCCIની મેડિકલ ટીમ તેની ફિટનેસનું મૂલ્યાંકન કરશે. જોકે લાંબા આંતરરાષ્ટ્રીય શેડ્યૂલને ધ્યાનમાં રાખીને તેને સંપૂર્ણ સિરીઝમાંથી આરામ આપવાની શક્યતા વધારે માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ભવિષ્ય પણ ચર્ચામાં છે. IPL 2026માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તે સતત રન બનાવી શક્યા નથી. આવી સ્થિતિમાં પસંદગી સમિતિ તેમની કેપ્ટન્સી અને ટીમમાં સ્થાન અંગે ગંભીર વિચારણા કરી શકે છે.
