ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં જો રૂટે ફરી ટેસ્ટ કેપ્ટનની જવાબદારી સંભાળ્યા બાદ મોટો ફેરફાર કર્યો છે. રૂટે ટીમના ખેલાડીઓ માટે લાગુ કરવામાં આવેલો મિડનાઈટ કર્ફ્યૂ હટાવી દીધો છે. હવે ખેલાડીઓએ રાત્રે 12 વાગ્યા સુધી હોટલમાં પરત ફરવાની ફરજ રહેશે નહીં. રૂટનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડીઓએ પોતાની જવાબદારી જાતે સમજવી જોઈએ.
આ કર્ફ્યૂ ઈંગ્લેન્ડ ટીમમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન બનેલી કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ બાદ લાગુ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ખેલાડીઓના મોડીરાત સુધી બહાર રહેવા અને પાર્ટી સાથે જોડાયેલા બનાવોને કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કડક નિયમો બનાવ્યા હતા. જૂનમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ દરમિયાન પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સને કર્ફ્યૂના ઉલ્લંઘન બાદ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
બેન સ્ટોક્સે ત્યારબાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને રૂટને ફરી ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો. હવે રૂટે સ્પષ્ટ કર્યું છે કે તેની કેપ્ટનશિપમાં આવો કર્ફ્યૂ નહીં રહે. તેણે કહ્યું કે ખેલાડીઓએ મેદાનની જેમ મેદાનની બહાર પણ સમજદારીથી વર્તવું જોઈએ.
રૂટે વધુમાં જણાવ્યું કે જીતની ઉજવણી કરવી કે મિત્રો સાથે સમય પસાર કરવો સ્વાભાવિક છે, પરંતુ ખેલાડીઓએ પોતાની જવાબદારી અને ઈંગ્લેન્ડ માટે રમવાની ગંભીરતા સમજવી જરૂરી છે.
ઈંગ્લેન્ડ હવે નવા ટેસ્ટ યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ટીમની આગામી મોટી પરીક્ષા પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી છે, જે 19 ઓગસ્ટથી શરૂ થશે. રૂટની કેપ્ટનશિપ અને નવા મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડ ટીમ મેદાન પર કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.
The midnight curfew imposed on the England men’s cricket team has been scrapped.https://t.co/X19VPmjH8L
— Crictoday (@crictoday) August 13, 2026
