કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ઋષભ પંતે પોતાની આગવી આક્રમક બેટિંગથી ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું. ડાબા હાથની કાંડાની ઈજા છતાં મેદાન પર ઉતરેલા પંતે લાહિરુ કુમારાની શોર્ટ બોલ પર એવો જોરદાર છગ્ગો ફટકાર્યો કે સ્ટેડિયમની છત પર લગાવેલું સોલાર પેનલ જ તૂટી ગયું.
પંતને પ્રથમ દિવસે બેટિંગ દરમિયાન કાંડામાં બોલ વાગ્યો હતો. ઈજાના કારણે તે માત્ર 15 બોલ રમ્યા બાદ રિટાયર હર્ટ થયો હતો. જોકે ટીમ મેનેજમેન્ટે બીજા દિવસે જરૂર પડે તો પંત બેટિંગ કરી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. ભારતે વિકેટ ગુમાવવાનું શરૂ કરતાં પંત ફરી ક્રિઝ પર આવ્યો.
શ્રીલંકાના ઝડપી બોલરો પંત સામે સતત શોર્ટ બોલનો ઉપયોગ કરી રહ્યા હતા. લાહિરુ કુમારા પણ વારંવાર બાઉન્સર નાખીને પંતને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પંતે હિંમત ન હારી અને પોતાના જાણીતા અંદાજમાં જવાબ આપ્યો.
ભારતીય ઇનિંગ્સની 90મી ઓવરમાં કુમારાએ રાઉન્ડ ધ વિકેટ આવીને શોર્ટ બોલ નાખ્યો. પંતે બોલની લાઇનમાં આવીને તેને ફાઇન લેગની દિશામાં હવામાં ઉછાળી દીધો. બોલ લગભગ 95 મીટર દૂર ગયો અને સીધો SSC સ્ટેડિયમની છત પર પહોંચ્યો. એટલું જ નહીં, આ જોરદાર શોટથી છત પર લગાવેલું સોલાર પેનલ પણ તૂટી ગયું.
પંતની આ ધમાકેદાર બેટિંગે ફરી સાબિત કર્યું કે ઈજા અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તે આક્રમક ક્રિકેટ રમવાથી પાછળ હટતો નથી. કોમેન્ટ્રી દરમિયાન રશેલ આર્નોલ્ડે પણ મજાક કરતાં કહ્યું કે જો સ્ટેડિયમનું કોઈ એર કન્ડિશનર અચાનક બંધ થઈ ગયું હોય તો તેનું કારણ કદાચ પંતનો આ છગ્ગો હોઈ શકે!
આ શોટ સાથે પંતે માત્ર શ્રીલંકન બોલરોને જ નહીં, પરંતુ સ્ટેડિયમની છતને પણ પોતાની તાકાતનો પરચો આપી દીધો.
Rishabh Pant unleashed his trademark explosive power, smashing a massive six straight onto the stadium roof that ended up cracking a solar panel installed at the venue.#RishabhPant #TeamIndia #INDvSL #IndianCricket #Six #CricketNews pic.twitter.com/zZRFhEk2pR
— Crictoday (@crictoday) August 24, 2026
