ભારતીય T20 ટીમના કેપ્ટન Suryakumar Yadav માટે ખરાબ ફોર્મનો સમય હજુ પણ પૂરો થયો નથી. IPL 2026માં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકનાર સૂર્યકુમાર હવે મુંબઈ T20 લીગમાં પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા છે. ટ્રાયમ્ફ નાઈટ્સ મુંબઈ નોર્થ ઈસ્ટ તરફથી રમતા સૂર્યકુમાર નોર્થ મુંબઈ પેન્થર્સ સામેની મેચમાં માત્ર 19 રન બનાવી આઉટ થયા હતા.
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં નોર્થ મુંબઈ પેન્થર્સે પ્રથમ બેટિંગ કરતાં 209/6નો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમ માટે હાર્દિક તમોરેએ 43 બોલમાં 67 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન Ajinkya Rahaneએ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું.
210 રનના કપરા લક્ષ્યનો પીછો કરતી ટ્રાયમ્ફ નાઈટ્સને શરૂઆતમાં જ બે ઝટકા લાગ્યા બાદ સૂર્યકુમાર ક્રિઝ પર આવ્યા હતા. તેણે થોડા આક્રમક શોટ્સ રમતાં ચાર ચોગ્ગા ફટકાર્યા અને માત્ર 12 બોલમાં 19 રન બનાવ્યા. જોકે તેની ઇનિંગ લાંબી ચાલી શકી નહીં. ડાબોડી સ્પિનર રાહુલ સાવંતે તેને આઉટ કરીને ટ્રાયમ્ફ નાઈટ્સને મોટો ઝટકો આપ્યો.
સૂર્યકુમાર માટે આ ઇનિંગ્સ ખૂબ મહત્વની માનવામાં આવી રહી હતી કારણ કે IPL અને તાજેતરના આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં પણ તેઓ સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈ T20 લીગ તેની માટે આત્મવિશ્વાસ પાછો મેળવવાની મોટી તક હતી, પરંતુ ફરી એકવાર તેઓ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા.
ભારતીય ટીમના આગામી પ્રવાસોને ધ્યાનમાં લેતા સૂર્યકુમારનું ફોર્મ હવે ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંને માટે ચિંતાનો વિષય બનતું જઈ રહ્યું છે.
