ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે Board of Control for Cricket in India (BCCI)ને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)એ પોતાનો જ 2018નો નિર્ણય બદલી દીધો છે અને હવે સ્પષ્ટ કર્યું છે કે BCCI માહિતીનો અધિકાર કાયદો (RTI) હેઠળ આવતું નથી. એટલે હવે BCCIને RTI હેઠળ માહિતી જાહેર કરવાની ફરજ રહેશે નહીં.
આ સમગ્ર મામલો વર્ષ 2018માં શરૂ થયો હતો, જ્યારે CICએ BCCIને ‘પબ્લિક ઓથોરિટી’ ગણાવી હતી. તે સમયે કમિશને કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ દેશનું પ્રતિનિધિત્વ કરે છે, ખેલાડીઓની જર્સી પર ભારતનું નામ હોય છે અને બોર્ડને વિવિધ રીતે સરકારી સહાય પણ મળતી રહે છે. તેથી BCCI જનતા પ્રત્યે જવાબદાર સંસ્થા ગણાય અને તેને RTIના દાયરામાં લાવવામાં આવે.
પરંતુ BCCIએ આ નિર્ણયનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે તે સ્વાયત્ત અને ખાનગી સંસ્થા છે. ત્યારબાદ બોર્ડે આ મામલો કોર્ટમાં પડકાર્યો હતો. ગયા વર્ષે Madras High Court એ આ કેસ ફરી CIC પાસે મોકલી આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓના આધારે નવા સિરેથી વિચારવા કહ્યું હતું.
હવે માહિતી આયોગના કમિશનર પી.આર. રમેશે પોતાના નવા ચુકાદામાં જણાવ્યું છે કે RTI અધિનિયમની કલમ 2(h) મુજબ BCCIને ‘પબ્લિક ઓથોરિટી’ ગણાવી શકાય નહીં. તેથી તે RTI હેઠળ માહિતી આપવા માટે કાનૂની રીતે બાધ્ય નથી.
આ નિર્ણય દરમિયાન સુપ્રીમ કોર્ટના અનેક ઐતિહાસિક ચુકાદાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કમિશને કહ્યું કે લોધા કમિટીના સુધારા અને પારદર્શિતાની ભલામણો હોવા છતાં સુપ્રીમ કોર્ટે ક્યારેય BCCIને સત્તાવાર રીતે ‘પબ્લિક ઓથોરિટી’ જાહેર કર્યું નહોતું.

