અફઘાનિસ્તાન સામેની આવનારી સિરીઝ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે Board of Control for Cricket in India એ મોટો નિર્ણય લીધો છે. ખેલાડીઓની તૈયારીને વધુ મજબૂત બનાવવા અને ટીમના પ્રદર્શનને સુધારવા માટે બોર્ડે સેન્ટર ઑફ એક્સેલન્સમાં ત્રણ નવા વિશેષજ્ઞ કોચોની નિમણૂક કરી છે.
BCCIએ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટરો નૂશિન અલ ખદીર, સુનેત્રા પરાંજપે અને વનિતાને નવી જવાબદારીઓ સોંપી છે. નૂશિન અલ ખદીરને બોલિંગ કોચ, સુનેત્રા પરાંજપેને બેટિંગ કોચ અને વનિતાને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે પૂર્વ મહિલા ખેલાડીઓને આવી મહત્વપૂર્ણ ટેક્નિકલ ભૂમિકાઓ આપવામાં આવી છે.
પૂર્વ ઓફ-સ્પિનર નૂશિન અલ ખદીર 2002થી 2012 સુધી ભારતીય ટીમનો ભાગ રહી ચૂકી છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતે 2023 અને 2025ના અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ જીત્યા હતા, જેના કારણે તેઓ સફળ કોચ તરીકે ઓળખ મેળવી ચૂક્યા છે.
સુનેત્રા પરાંજપે પણ ભારતીય ટીમ માટે ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમી ચૂકી છે. તે મુંબઈ મહિલા ટીમની હેડ કોચ તરીકે ત્રણ સીઝન સુધી જોડાયેલા રહ્યા હતા. તેની કોચિંગ હેઠળ મુંબઈએ બે ઘરેલુ ટી20 ટાઇટલ જીત્યા હતા.
પૂર્વ બેટર વનિતાને વનડે અને ટી20 ક્રિકેટનો સારો અનુભવ છે. હવે તે સેન્ટર ઑફ એક્સેલન્સમાં ફિલ્ડિંગ કોચ તરીકે ખેલાડીઓને તાલીમ આપશે.
પૂર્વ ભારતીય કેપ્ટન Diana Edulji એ BCCIના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેણે જણાવ્યું કે ભારત A, ઇમર્જિંગ ટીમ અને અંડર-19 સ્તરે મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

