ક્રિકેટ જગતમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર મોહમ્મદ ખલીલની 10 વર્ષની પુત્રીનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું છે. આ દુર્ઘટનાની જાણકારી ખુદ ખલીલે આપી હતી. આ સમાચાર સામે આવતા ક્રિકેટ ચાહકો અને પૂર્વ ખેલાડીઓએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
અહેવાલ મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મોહમ્મદ ખલીલની પુત્રી પોતાના ઘરમાં રમતી હતી. રમતા-રમતા તેને અચાનક વીજ કરંટ લાગ્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તેને બચાવી શકાયી નહોતી. દુર્ભાગ્યની વાત એ હતી કે આ ઘટના સમયે મોહમ્મદ ખલીલ ઘરે હાજર નહોતા. તેઓ અમેરિકા ખાતે લીગ ક્રિકેટ રમવા ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક પાકિસ્તાન પરત ફર્યા.
મોહમ્મદ ખલીલ પાકિસ્તાનના પૂર્વ ડાબોડી ઝડપી બોલર છે. તેમણે પાકિસ્તાન માટે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું છે. જોકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબી રહી નહોતી. તેને કુલ પાંચ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી હતી, જેમાં બે ટેસ્ટ અને ત્રણ વનડેનો સમાવેશ થાય છે. વનડે ક્રિકેટમાં તેણે કુલ પાંચ વિકેટ ઝડપી હતી.
ખલીલને વર્ષ 2003-04 દરમિયાન બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાનની ટીમમાં સ્થાન મળ્યું હતું. ખાસ વાત એ હતી કે ત્યારે તેણે માત્ર છ ફર્સ્ટ ક્લાસ મેચ જ રમી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું, પરંતુ શરૂઆતની બે ટેસ્ટમાં એક પણ વિકેટ ન મળતાં તેઓ ટીમમાંથી બહાર થઈ ગયા. બાદમાં કાયદે-આઝમ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી વર્ષ 2011-12માં બાંગ્લાદેશ પ્રવાસ માટે ફરી ટીમમાં વાપસી કરી હતી.
પુત્રીના અકાળ અવસાનથી મોહમ્મદ ખલીલ અને તેનો પરિવાર ભારે આઘાતમાં છે. સમગ્ર ક્રિકેટ જગતે આ દુઃખદ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે અને પરિવારને આ કપરા સમયમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી છે.
Former Pakistan Test Cricketer Daughter Dies After Electric Shock
Read More: https://t.co/OuATxLSHcd pic.twitter.com/t10PSYnkss— Baloch Wire (@Balochwire) July 28, 2026

