LATEST

BCCIના પૂર્વ સેક્રેટરીનું નિધન, સ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકાવ્યા બાદ તબિયત બગડી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ સચિવ અને ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (JSCA)ના ભૂતપૂર્વ પ્રમુખ અમિતાભ ચૌધરીનું મંગળવારે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું.

તેઓ 62 વર્ષના હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ચૌધરીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

રાંચીની સંતેવિતા હોસ્પિટલના ડૉક્ટર ડૉ. વરુણ કુમારે જણાવ્યું હતું કે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અમિતાભ ચૌધરીને હૃદયરોગનો હુમલો આવતાં સવારે લગભગ પોણા આઠ વાગ્યે ઈમરજન્સી મેડિકલ રૂમમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ટીમે તેમની સારવાર કરી હતી. તબીબોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને બચાવી ન શકાયો અને નવ વાગ્યાની આસપાસ તેનું મોત નીપજ્યું.

સોમવારે સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન કર્યા બાદ તેમની તબિયત થોડી બગડી હતી. પરંતુ તેમણે અશોક નગર સ્થિત તેમના નિવાસસ્થાને આરામ કર્યો. ચૌધરીના નજીકના સાથી અને ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી દેવાશિષ ચક્રવર્તીએ પીટીઆઈને જણાવ્યું હતું કે સવારે ચૌધરીને તેમના અશોક નગરના આવાસ પર હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને સંતવિતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ચૌધરીનો જન્મ 6 જુલાઈ 1960ના રોજ થયો હતો અને તેઓ ભારતીય પોલીસ સેવા ઝારખંડ કેડરના વરિષ્ઠ અધિકારી હતા. ઝારખંડમાં ક્રિકેટમાં પરિવર્તન લાવવામાં ચૌધરીના યોગદાનને અપ્રતિમ માનવામાં આવે છે. તેમના પ્રયાસોને કારણે જ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન રાંચીમાં બનાવવામાં આવ્યું હતું.

Exit mobile version