ભારતના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન Rohit Sharma તાજેતરમાં યોજાયેલા પદ્મશ્રી એવોર્ડ સમારોહમાં હાજર ન રહેતાં ચાહકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં 25 મેના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના સમારોહમાં જ્યારે રોહિત શર્મા જોવા મળ્યા નહોતાં, ત્યારે સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી હતી. જોકે, તેની ગેરહાજરી પાછળ કોઈ વિવાદ નહીં પરંતુ પ્રશાસનિક પ્રક્રિયા અને વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ભારત સરકારે ગણતંત્ર દિવસના અવસરે રોહિત શર્મા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન Harmanpreet Kaur ને ક્રિકેટ ક્ષેત્રમાં તેના વિશેષ યોગદાન બદલ દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માટે પસંદ કર્યા હતા. પરંતુ પદ્મ એવોર્ડ સમારોહ એક જ દિવસે તમામ વિજેતાઓ માટે યોજાતો નથી. વિજેતાઓના સમયપત્રક અને અન્ય વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને સરકાર અલગ-અલગ તબક્કામાં સન્માન આપે છે.
રોહિત શર્માને પ્રથમ સમારોહના બદલે આગામી તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ IPL 2026 દરમિયાન ઇજાના કારણે મર્યાદિત મેચો જ રમી શક્યા હતા. તેણે આ સિઝનમાં માત્ર 9 મેચમાં 283 રન બનાવ્યા હતા. વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલને કારણે તેઓ દિલ્હીમાં યોજાયેલા પ્રથમ સમારોહમાં હાજરી આપી શક્યા નહોતા.
બીજી તરફ હરમનપ્રીત કૌરે વ્યસ્ત તૈયારી વચ્ચે પણ સમારોહમાં હાજરી આપી હતી. મહિલા વનડે વર્લ્ડ કપની તૈયારીઓ હોવા છતાં તેઓ ખાસ કરીને ભારત આવી અને રાષ્ટ્રપતિના હાથે પોતાનો પદ્મશ્રી એવોર્ડ સ્વીકાર્યો.
ફેન્સ માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા આ સન્માનથી વંચિત નથી રહ્યા. વર્ષના અંતમાં યોજાનાર બીજા તબક્કાના સમારોહમાં તેઓ સત્તાવાર રીતે પદ્મશ્રી એવોર્ડ અને પ્રમાણપત્ર સ્વીકારશે. IPL પૂર્ણ થયા બાદ તે અફઘાનિસ્તાન સામેની 14 જૂનથી શરૂ થનારી વનડે સિરીઝ દ્વારા ફરી ભારતીય ટીમમાં વાપસી કરવા તૈયાર છે.

