IPL 2026 પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે જૂન મહિનામાં આ મહત્વપૂર્ણ શ્રેણી યોજાશે. ખાસ વાત એ છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લો ટેસ્ટ 2018માં રમાયો હતો અને હવે લગભગ આઠ વર્ષ બાદ બંને ટીમો ફરી ટેસ્ટ ક્રિકેટમાં આમને-સામને જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 19 મેના રોજ થઈ શકે છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં હેડ કોચ ગૌતમ ગંભીર અને ટેસ્ટ-વનડે કેપ્ટન શુભમન ગિલ પણ હાજર રહી શકે છે. ટીમ મેનેજમેન્ટ આગામી ICC ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને સ્ક્વાડ પસંદ કરશે તેવી શક્યતા છે.
ભારતીય ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આ ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. કારણ કે આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નથી, તેથી BCCI બુમરાહનો વર્કલોડ મેનેજ કરવા માંગે છે. તેની ગેરહાજરીમાં કેટલાક યુવા ખેલાડીઓને તક મળી શકે છે.
પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમતા જમણા હાથના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ગુરનૂર બરાડને પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં તક મળવાની ચર્ચા તેજ બની છે. પોતાની સ્વિંગ અને સચોટ લાઇન-લેન્થથી તેણે પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે.
વનડે ટીમમાં પણ કેટલીક રસપ્રદ પસંદગીઓ જોવા મળી શકે છે. વિકેટકીપર તરીકે કેએલ રાહુલ પ્રથમ પસંદ ગણાય છે, જ્યારે ઈશાન કિશનને બીજી તક મળી શકે છે. બીજી તરફ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી કોને સ્થાન મળશે તે પણ ચર્ચાનો વિષય બન્યું છે.
ભારતના સંભવિત ટેસ્ટ સ્ક્વાડમાં શુભમન ગિલ, કેએલ રાહુલ, યશસ્વી જયસવાલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને ગુરનૂર બરાડ જેવા ખેલાડીઓના નામ સામેલ છે.
