LATEST

રહમત શાહને જીવતા જ અપાઈ શ્રદ્ધાંજલિ

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન Rahmat Shah ના નિધનની અફવાએ સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવ્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના ખોટા અનુવાદને કારણે ક્રિકેટ ફેન્સ વચ્ચે ગેરસમજ ફેલાઈ ગઈ અને ઘણા લોકોએ રહમત શાહને શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત કરી દીધી હતી. જોકે બાદમાં સ્પષ્ટ થયું કે રહમત શાહ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેના નિધનની તમામ ખબર ખોટી છે.

આ સમગ્ર ગેરસમજની શરૂઆત ત્યારે થઈ જ્યારે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર Karim Janat એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક શોક સંદેશ પોસ્ટ કર્યો. આ પોસ્ટમાં રહમત શાહનો ફોટો હતો અને પશ્તો ભાષામાં ભાવુક સંદેશ લખવામાં આવ્યો હતો. ઘણા યુઝર્સે ઇન્સ્ટાગ્રામના ઓટો-ટ્રાન્સલેશન ફીચરનો ઉપયોગ કરીને તેનો અંગ્રેજી અનુવાદ જોયો, પરંતુ ટેક્નિકલ ભૂલને કારણે અનુવાદમાં એવો અર્થ નીકળ્યો કે જાણે રહમત શાહનું અવસાન થયું હોય.

ખોટા અનુવાદમાં લખાયું હતું કે “અફઘાનિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર રહમત શાહના નિધનની ખબર સાંભળીને દુઃખ થયું,” જેના કારણે સોશિયલ મીડિયા પર અફવા ઝડપથી વાયરલ થઈ ગઈ. જોકે પશ્તો ભાષાના સાચા અનુવાદ મુજબ પોસ્ટ રહમત શાહના નહીં, પરંતુ તેની માતાના નિધન અંગે હતી. કરીમ જનતે રહમત શાહની માતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

રહમત શાહ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક ગણાય છે. તેણે અત્યાર સુધી 11 ટેસ્ટ, 125 વનડે અને એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેઓ 5,000થી વધુ રન બનાવી ચૂક્યા છે અને ટીમની બેટિંગ લાઇનઅપનો મહત્વનો સ્તંભ માનવામાં આવે છે.

Exit mobile version