ઈંગ્લેન્ડ ટીમના અનુભવી બેટ્સમેન જો રૂટે આગામી વર્લ્ડ કપને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે જણાવ્યું કે આગામી વર્લ્ડ કપમાં કયો બેટ્સમેન સૌથી વધુ રન બનાવી શકે છે અને કયો બોલર સૌથી વધુ વિકેટ લઈ શકે છે.
ઈંગ્લેન્ડે ઘરઆંગણે વર્લ્ડ કપ 2019નો ખિતાબ જીત્યો હતો અને તેથી જ તેઓ આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. ઈંગ્લેન્ડની ટીમ અલગ પ્રકારની ક્રિકેટ રમવા માટે જાણીતી છે અને ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે પણ ઈંગ્લેન્ડ ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.
જ્યારે જો રૂટને વર્લ્ડ કપ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે જોની બેરસ્ટો સૌથી વધુ રન બનાવી શકે છે. તેણે આઈસીસી પર વાતચીત દરમિયાન કહ્યું, હું જોની બેયરસ્ટોને સૌથી વધુ રન બનાવતો જોઉં છું. તે એક એવો ખેલાડી છે જે હંમેશા પોતાને સાબિત કરવા માંગે છે. તે સફેદ બોલના ક્રિકેટમાં ખૂબ જ સારો ખેલાડી છે અને તેણે ટોચના ક્રમમાં અમારા માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. આ સિવાય જો રૂટે એમ પણ કહ્યું કે ઈંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ સૌથી વધુ વિકેટ લઈ શકે છે.
આદિલ રશીદ પાસે ખૂબ જ અલગ કૌશલ્ય અને વિવિધતા છે. આપણે બધા જાણીએ છીએ કે વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવી કેટલું મહત્વનું છે. આદિલ રાશિદ છેલ્લા ઘણા સમયથી અમારા માટે સતત પ્રદર્શન કરી રહ્યો છે અને મને લાગે છે કે તે આ વિકેટો પર ખૂબ જ ખતરનાક બોલર સાબિત થઈ શકે છે.