ODIS

રોહિત શર્માનું વર્લ્ડ કપનું ભાવિ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટકેલું છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રોહિત શર્માના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાવસ્કરનું માનવું છે કે ઇંગ્લેન્ડ સામે આગામી વનડે શ્રેણી રોહિત માટે ખૂબ જ અગત્યની સાબિત થશે. તેના મતે આ શ્રેણી નક્કી કરશે કે રોહિત શર્મા 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમના મુખ્ય ઓપનર તરીકે પોતાની જગ્યા મજબૂત રાખી શકે છે કે નહીં.

ગાવસ્કરે જણાવ્યું કે રોહિત શર્મા હવે માત્ર વનડે ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક ઇનિંગ્સ અને દરેક મેચ તેના માટે મહત્વની બની ગઈ છે. ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે સારું પ્રદર્શન કરવાથી તેઓ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ વધુ મજબૂત કરી શકશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 14 જુલાઈથી શરૂ થવાની છે. આ શ્રેણીમાં રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીની પણ વાપસી થવાની સંભાવના છે. બંને સિનિયર ખેલાડીઓ માટે આ શ્રેણી આગામી વર્લ્ડ કપની તૈયારીઓની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્માના ભવિષ્ય અંગે સતત ચર્ચા ચાલી રહી છે. કેટલાક પૂર્વ ક્રિકેટરો માને છે કે 2027ના વર્લ્ડ કપ સુધી પહોંચવું તેમના માટે સરળ નહીં રહે, જ્યારે કેટલાકનું માનવું છે કે જો તેઓ સતત રન બનાવતા રહેશે તો તેને ટીમમાંથી બહાર રાખવું મુશ્કેલ બનશે.

ગાવસ્કરે પણ સ્પષ્ટ કર્યું કે અંતિમ નિર્ણય રોહિતના પ્રદર્શન પર નિર્ભર રહેશે. જો તેઓ ઇંગ્લેન્ડ સામે મોટી ઇનિંગ્સ રમશે અને સતત સારું પ્રદર્શન કરશે તો આગામી વર્લ્ડ કપ સુધી ટીમમાં સ્થાન જાળવી રાખવાની તેની દાવેદારી વધુ મજબૂત બનશે. બીજી તરફ ખરાબ ફોર્મ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ કારણે ક્રિકેટ ચાહકોની નજર હવે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી પર રહેશે. રોહિત શર્મા માટે આ માત્ર એક સામાન્ય દ્વિપક્ષીય શ્રેણી નહીં, પરંતુ 2027ના વનડે વર્લ્ડ કપ તરફનો મહત્વપૂર્ણ પરીક્ષાનો પડાવ સાબિત થઈ શકે છે.

Exit mobile version