OFF-FIELD

ભારત-પાક મેચોની ઓળખ બનેલા ‘ચાચા ક્રિકેટ’એ લીધો સંન્યાસ

પાકિસ્તાન ક્રિકેટ જગતમાંથી એક ભાવુક સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી સ્ટેડિયમમાં પોતાની અનોખી હાજરીથી ચાહકોનું મનોરંજન કરનાર પ્રખ્યાત સુપરફેન ‘ચાચા ક્રિકેટ’એ હવે ક્રિકેટ સ્ટેડિયમને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. તેના આ નિર્ણયથી માત્ર પાકિસ્તાન નહીં પરંતુ ભારતીય ક્રિકેટપ્રેમીઓ પણ નિરાશ થયા છે.

ચાચા ક્રિકેટનું સાચું નામ ચૌધરી અબ્દુલ જલીલ છે. લીલી શેરવાની, સફેદ દાઢી અને ઉત્સાહભર્યા અંદાજ માટે તેઓ સમગ્ર ક્રિકેટ જગતમાં જાણીતા બન્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા તેણે જાહેરાત કરી કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આવનારી વનડે સિરીઝ તેની છેલ્લી સ્ટેડિયમ મુલાકાત રહેશે. 4 જૂને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં તેઓ છેલ્લીવાર લાઇવ મેચનો આનંદ માણશે.

વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે તેણે આ મોટો નિર્ણય લીધો છે. સાથે જ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીને વિનંતી કરી છે કે તેના છેલ્લાં દિવસને યાદગાર બનાવવામાં આવે.

ચાચા ક્રિકેટનો ક્રિકેટ સાથેનો સંબંધ દાયકાઓ જૂનો છે. તેણે 1969માં પહેલીવાર સ્ટેડિયમમાં જઈ મેચ નિહાળી હતી. 1986ના શારજાહ કપમાં ભારત સામે Javed Miandadએ છેલ્લી બોલ પર છગ્ગો ફટકારી પાકિસ્તાનને જીત અપાવી હતી, ત્યારે ચાચા ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર હતા. એ ઐતિહાસિક ક્ષણ પછી તેઓ આખી દુનિયામાં પ્રસિદ્ધ બન્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી ત્યારે ચાચા ક્રિકેટ અને ભારતીય સુપરફેન સુધીર કુમાર બંને સ્ટેડિયમમાં ખાસ આકર્ષણ બનતા. રમતિયાળ ભાવનાનું પ્રતિક બનેલા ચાચા ક્રિકેટ હવે સ્ટેડિયમમાં નહીં દેખાય, જેને કારણે કરોડો ક્રિકેટપ્રેમીઓ ભાવુક બની ગયા છે.

Exit mobile version