OFF-FIELD

મેદાન પર મોતનો આંચકો

ભારતીય ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ રણજી ક્રિકેટર SL Akshayનું મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું છે. તે માત્ર 39 વર્ષના હતા. આ ઘટના બાદ કર્ણાટક ક્રિકેટ સહિત સમગ્ર ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

માહિતી મુજબ, અક્ષય બેંગલુરુમાં KSCA થર્ડ ડિવિઝન લીગની મેચમાં સેફાયર CC તરફથી રમી રહ્યા હતા. મેચ દરમિયાન તેણે ચાર ઓવર બોલિંગ કરી હતી, પરંતુ ત્યારબાદ તેમને અચાનક બેચેની અને છાતીમાં દુખાવો અનુભવાયો. સ્થિતિ ગંભીર બનતા તે મેદાનની બહાર ગયા અને બાદમાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા.

અક્ષય કર્ણાટકની તે મજબૂત ટીમનો ભાગ રહ્યા હતા, જેણે 2014-15 સીઝનમાં રણજી ટ્રોફી જીતી હતી. તેણે 2011થી 2013 વચ્ચે કર્ણાટક માટે 6 ફર્સ્ટ ક્લાસ, 3 લિસ્ટ-A અને 9 T20 મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 18 વિકેટ નોંધાયેલી છે.

ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ અક્ષય રમત સાથે જોડાયેલા રહ્યા હતા. તે કર્ણાટક અંડર-19 ટીમ સાથે કોચ તરીકે કાર્યરત હતા અને યુવા ખેલાડીઓને તાલીમ આપતા હતા. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને તેના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અક્ષયે ખેલાડી અને કોચ તરીકે કર્ણાટક ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Exit mobile version