OFF-FIELD

54મા જન્મદિવસે સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમનું ગૌરવ

ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલી માટે તેનો 54મો જન્મદિવસ યાદગાર બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ગાંગુલીને પ્રતિષ્ઠિત ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપીને સન્માનિત કર્યા છે. આ સિદ્ધિ બાદ ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાવુક પોસ્ટ શેર કરીને ICC તેમજ તેના અધ્યક્ષ જય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌરવ ગાંગુલીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ICC અને ચેરમેન જય શાહનો ખૂબ આભાર. હોલ ઓફ ફેમમાં સ્થાન મળવું મારા માટે ખૂબ મોટું સન્માન છે. ભારતના ગણતરીના ક્રિકેટરોમાં સામેલ થવાનો ગર્વ છે. ક્રિકેટના મહાન દિગ્ગજોની યાદીમાં સ્થાન મળવું મારા માટે યાદગાર ક્ષણ છે.” તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને ચાહકો તેમજ પૂર્વ ક્રિકેટરોએ તેને શુભેચ્છાઓ પાઠવી.

સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટમાં પરિવર્તન લાવનાર કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2000માં મેચ ફિક્સિંગના કપરા સમય બાદ તેણે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી અને યુવા ખેલાડીઓને તક આપીને ભારતીય ટીમને નવી ઓળખ અપાવી હતી. તેના નેતૃત્વમાં ભારતે 2002ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને 2003ના વર્લ્ડ કપની ફાઇનલ સુધીનો સફર કર્યો હતો. વિદેશી ધરતી પર આક્રમક ક્રિકેટ રમવાની માનસિકતા પણ ગાંગુલીએ જ ભારતીય ટીમમાં વિકસાવી હતી.

ગાંગુલીના આ સન્માનને ભારતીય ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે. ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. પોતાના શાનદાર ખેલાડી અને પ્રેરણાદાયી કેપ્ટન તરીકેના યોગદાન બદલ હવે ગાંગુલીનું નામ ICC હોલ ઓફ ફેમમાં પણ સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયું છે, જે તેના ક્રિકેટિંગ કરિયરની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ બની છે.

Exit mobile version