મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર મંદિર ખાતે ભગવાન મહાકાલના દર્શન કરવા પહોંચી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમના ખેલાડીઓએ ભસ્મ આરતીમાં ભાગ લીધો અને આવનારા વર્લ્ડ કપમાં સફળતા માટે પ્રાર્થના કરી. ટીમની કેટલીક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ મંદિરમાં પહોંચી હતી.
વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે મહાકાલના દરબારમાં આવીને તેને ઘણો માનસિક શાંતિનો અનુભવ થાય છે. તેણે કહ્યું કે તે છેલ્લા મહિને પણ અહીં દર્શન કરવા આવી હતી અને ભસ્મ આરતી દરમિયાન મળતો આધ્યાત્મિક અનુભવ ખાસ હોય છે. યાસ્તિકાએ ઉમેર્યું કે સમગ્ર ટીમ વર્લ્ડ કપ પહેલાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા ઇચ્છતી હતી જેથી ટૂર્નામેન્ટ ભારત માટે સફળ રહે.
ઇંગ્લેન્ડની યજમાનીમાં યોજાનારા મહિલા ટી20 વર્લ્ડ કપની શરૂઆત 12 જૂનથી થશે. ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ 17 જૂને નેધરલેન્ડ, 21 જૂને સાઉથ આફ્રિકા, 25 જૂને બાંગ્લાદેશ અને 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે ભારત ગ્રુપ સ્ટેજની મેચો રમશે.
ભારતીય ટીમ હજુ સુધી મહિલા ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. 2024ના ટી20 વર્લ્ડ કપમાં ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી શકી નહોતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરે ટી20 સિરીઝમાં હરાવ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ વધી ગયો છે. જોકે, એપ્રિલ 2026માં સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં ભારતને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
#WATCH Madhya Pradesh | Members of the Indian Women’s Cricket Team offer prayers at the Mahakaleshwar Temple in Ujjain pic.twitter.com/WMFAHr8q7Z
— ANI (@ANI) May 16, 2026

