OFF-FIELD

એરપોર્ટ પર ફેનની હરકત છતાં શ્રેયસ અય્યરનો કૂલ અંદાજ

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લઈને રજાઓ માણી રહ્યા છે, પરંતુ આ દરમિયાન બેંગકોક એરપોર્ટનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અય્યર એકદમ સામાન્ય વ્યક્તિની જેમ એરપોર્ટ ટર્મિનલમાં બેસેલા જોવા મળે છે. તેની બાજુમાં તેનો બેગ રાખેલો હતો. આ દરમિયાન એક ફેન ત્યાં આવ્યો અને અય્યરને પૂછ્યા વગર તેનો બેગ થોડો ખસેડીને તેની બાજુમાં બેસી ગયો.

ફેનની આ અચાનક હરકતથી શ્રેયસ અય્યર એક ક્ષણ માટે ચોંકી ગયા હતા, પરંતુ તેણે ગુસ્સો કરવાની જગ્યાએ ખૂબ જ શાંત અને કૂલ રિએક્શન આપ્યું. અય્યરના આ ‘નો-ડ્રામા’ અંદાજને સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તેની સાદગી અને ધીરજ જોવા મળતા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

આ ઘટના બાદ ભારતીય ક્રિકેટરોની પ્રાઈવસી અંગે પણ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. ઘણા યુઝર્સનું માનવું છે કે ભારતમાં ક્રિકેટર્સને એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો અને સુરક્ષાના કારણે સામાન્ય વ્યક્તિની જેમ સમય પસાર કરવો મુશ્કેલ બને છે. વિદેશમાં તેઓ ઘણીવાર વધુ શાંતિથી પોતાની રજાઓ માણી શકે છે.

રિપોર્ટ મુજબ, શ્રેયસ અય્યર વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ બાદ પોતાના મિત્રો સાથે ઇન્ડોનેશિયાના બાલીમાં રજાઓ માણવા ગયા છે. બેંગકોક એરપોર્ટ પર ટ્રાન્ઝિટ દરમિયાન આ ઘટના બની હતી. અય્યરનો આ શાંત સ્વભાવનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

એક તરફ ફેનની હરકત થોડી અચાનક હતી, તો બીજી તરફ અય્યરે જે રીતે સ્થિતિને સંભાળી તેનાથી ફરી એકવાર તેની શાંત અને સરળ છબી ચાહકો સામે આવી છે.

Exit mobile version