OTHER LEAGUES

DDCAના નિયમો પર ઉઠ્યા સવાલ

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં ન્યૂ દિલ્હી ટાઈગર્સના ખેલાડી દેવ ચૌધરીને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. દેવ પોતાની શાનદાર રમતના કારણે નહીં પરંતુ બેટિંગ અને ફિલ્ડિંગના પ્રદર્શનને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. તેના પ્રદર્શન બાદ હવે તેની પ્લેઇંગ-11માં પસંદગી કેવી રીતે થઈ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

દેવ ચૌધરીને DPLમાં ન્યૂ દિલ્હી ટાઈગર્સ તરફથી બે મેચ રમવાની તક મળી હતી. પ્રથમ મેચમાં તેઓ માત્ર બે બોલ રમીને ખાતું ખોલ્યા વિના આઉટ થયા હતા. ત્યારબાદ વેસ્ટ દિલ્હી લાયન્સ સામેની મેચમાં તેણે 24 બોલમાં 16 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન ખાસ કરીને પાવરપ્લેમાં સ્પિનર સામે સતત પાંચ ડોટ બોલ રમ્યા બાદ તેમની બેટિંગ ટેકનિક પર સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠ્યા હતા. તેની બેટિંગ અને ફિલ્ડિંગના વીડિયો પણ વાયરલ થયા છે.

આ વિવાદની પાછળ DPLના ખેલાડી પસંદગીના નિયમને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. 2026ની સિઝન પહેલાં નિયમ બનાવાયો હતો કે દરેક ફ્રેન્ચાઇઝી હરાજી સિવાય ત્રણ ખેલાડીઓને સીધા ટીમમાં પસંદ કરી શકે છે. જોકે તેના માટે ખેલાડીએ DDCA લીગમાં ઓછામાં ઓછા પાંચ મેચ રમેલી હોવી જરૂરી હતી. કેટલાક DDCA એપેક્સ કાઉન્સિલ સભ્યોએ આ નિયમનો વિરોધ કર્યો હતો અને આશંકા વ્યક્ત કરી હતી કે ભલામણના આધારે અયોગ્ય ખેલાડીઓને પણ તક મળી શકે છે.

રિપોર્ટ મુજબ દેવ ચૌધરીએ અગાઉ દિલ્હી અંડર-19 ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો અને DDCA લીગમાં સ્પોર્ટિંગ ક્લબ માટે રમ્યા હતા. એક ક્લબ સૂત્રએ દાવો કર્યો કે દેવને પૂર્વ ભારત અંડર-19 અને દિલ્હી ક્રિકેટર પ્રદીપ સાંગવાનની ભલામણથી તક મળી હતી. જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ મામલે DDCAએ હવે DPLના વિવાદિત નિયમની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. DDCAના સચિવ અશોક શર્માએ જણાવ્યું છે કે ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ નિયમની સમીક્ષા કરવામાં આવશે. આ વિવાદે DPLમાં ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાની પારદર્શિતા અને યોગ્યતા અંગે ગંભીર ચર્ચા શરૂ કરી છે.

Exit mobile version