TEST SERIES

જયસ્વાલ VS ફર્નાન્ડો વિવાદમાં આવ્યો નવો ટ્વિસ્ટ

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ઝડપી બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે થયેલી ગરમાગરમી ચર્ચાનો વિષય બની છે. કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહેલી ટેસ્ટ દરમિયાન ફર્નાન્ડોએ જયસ્વાલને 45 રન પર આઉટ કર્યા બાદ આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી. આ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

રિપોર્ટ અનુસાર, આઉટ થયા બાદ પેવેલિયન તરફ જઈ રહેલા જયસ્વાલ ફરી પાછા ફર્યા અને ફર્નાન્ડો સામે ઊભા રહીને દલીલ કરવા લાગ્યા. સ્થિતિ વધુ તંગ બનતા બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરવો પડ્યો હતો. આ ઘટનાને લઈને જયસ્વાલ સામે ICCની કાર્યવાહીનું જોખમ પણ ચર્ચાઈ રહ્યું છે.

આ ઘટનાને લઈને જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે ફર્નાન્ડોના વર્તનથી જયસ્વાલ ઉશ્કેરાયા હોય શકે, પરંતુ તેમણે આટલું નજીક જવાનું ટાળવું જોઈતું હતું. હર્ષા ભોગલેની આ વાત પર જયસ્વાલે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો.

જયસ્વાલે લખ્યું કે, જો તને ખબર જ નથી કે ફર્નાન્ડોએ શું કહ્યું હતું, તો કૃપા કરીને કોઈ અભિપ્રાય ન બનાવો. સાથે જ તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો કોઈ હદ પાર કરે તો ભારત લડશે અને તેનો જવાબ આપશે.

આ ઘટના બાદ જયસ્વાલના વર્તન અને સંભવિત સજા અંગે ચર્ચા તેજ બની છે. ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે પણ સ્વીકાર્યું હતું કે જયસ્વાલે ફર્નાન્ડોની ખૂબ નજીક જવાનું ટાળવું જોઈતું હતું. હવે સૌની નજર ICCના નિર્ણય પર છે કે આ ઘટનામાં બંને ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.

Exit mobile version