TEST SERIES

અલ્ઝારી જોસેફે પસંદગી સ્વીકારવાનો કર્યો ઇનકાર

વેસ્ટ ઈન્ડિઝને પાકિસ્તાન સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચોની શ્રેણી પહેલાં મોટો આંચકો લાગ્યો છે. ટીમના મુખ્ય ઝડપી બોલર અલ્ઝારી જોસેફે ટેસ્ટ ટીમમાં પસંદગી થયા બાદ પણ રમવાનો ઇનકાર કર્યો હોવાનું મુખ્ય કોચ ડેરેન સેમીએ જાહેર કર્યું છે. શરૂઆતમાં ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે જોસેફની ગેરહાજરીનું કારણ ‘અંગત કારણો’ દર્શાવ્યું હતું, પરંતુ હવે સેમીના નિવેદન બાદ સમગ્ર મામલે નવી ચર્ચા શરૂ થઈ છે.

ડેરેન સેમીએ મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અલ્ઝારી જોસેફની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ઈજામાંથી વાપસી કર્યા બાદ તેણે ટીમ સાથે જોડાવાનો ઇનકાર કર્યો. સેમીએ કહ્યું કે આ નિર્ણય કોચિંગ સ્ટાફના અધિકારક્ષેત્રની બહારનો છે અને હવે આ મામલે આગળ શું કરવું તેનો નિર્ણય ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના અધિકારીઓ લેશે. તેણે એ પણ સ્વીકાર્યું કે કરારબદ્ધ ખેલાડી દ્વારા પસંદગી ન સ્વીકારવી ચિંતાજનક બાબત છે.

29 વર્ષીય અલ્ઝારી જોસેફ વેસ્ટ ઈન્ડિઝના સૌથી મહત્વપૂર્ણ ફાસ્ટ બોલરોમાંના એક છે. તેણે અત્યાર સુધી 42 ટેસ્ટમાં 130 વિકેટ ઝડપી છે અને તમામ ફોર્મેટમાં ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેની ગેરહાજરીથી પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ આક્રમણને મોટો ફટકો પડશે.

જોસેફની ગેરહાજરી બાદ ડાબોડી સ્પિનર જોશુઆ બિશપને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે કિર્ક મેકેન્ઝીની પણ ટીમમાં વાપસી થઈ છે. જોકે સેમીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેની પાસે એવો બોલિંગ હુમલો છે જે વિરોધી ટીમને બે ઇનિંગ્સમાં આઉટ કરવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ શનિવારથી શરૂ થશે, જ્યાં બંને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના મહત્વપૂર્ણ પોઇન્ટ્સ માટે મેદાનમાં ઉતરશે.

Exit mobile version