IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. વિશ્વના દરેક ખેલાડી આ લીગમાં ભાગ લેવા માંગે છે. IPLએ અત્યાર સુધી ઘણા ખેલાડીઓની કારકિર્દી બનાવી છે. આ વર્ષની IPLમાં ઘણા મોટા ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા.
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક સ્ટાર ખેલાડીએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે આવતા વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનારા ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તે પોતાની જાતને સારી રીતે તૈયાર કરવા માટે આઈપીએલમાં ભાગ લઈ શકે છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ મિચેલ સ્ટાર્ક છે.
મિચેલ સ્ટાર્ક છેલ્લે વર્ષ 2015માં IPL રમ્યો હતો. તે વર્ષે, તે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. જો આપણે સ્ટાર્કની આઈપીએલ કારકિર્દી પર એક નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં 27 આઈપીએલ મેચોમાં ભાગ લીધો છે અને 7.17ના ઈકોનોમી રેટથી 34 વિકેટ લીધી છે. તે 2014ની સિઝનમાં 14 મેચ અને 2015માં 13 મેચમાં RCB માટે રમ્યો હતો. 2018 માં, તે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવાની અપેક્ષા હતી, પરંતુ તે ઈજાને કારણે તે સિઝનમાં રમી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમવાના કારણે સ્ટાર્ક ઘણી વખત IPL રમ્યો નથી.
T20 વર્લ્ડ કપ 2024 પહેલા IPLનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટને મોટા ખેલાડીઓ માટે વર્લ્ડ કપની તૈયારીઓનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે આ સિઝનમાં સ્ટાર્ક સિવાય અન્ય ઘણા મોટા ખેલાડીઓ IPLમાં ભાગ લઈ શકે છે. સ્ટાર્કે વિલો ટોક ક્રિકેટ પોડકાસ્ટને કહ્યું કે તેને આઈપીએલમાં રમ્યાને આઠ વર્ષ થઈ ગયા છે. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને કારણે તે ચોક્કસપણે IPLમાં ભાગ લઈ શકે છે.