LATEST

આ ક્રિકેટર દિલ્હીની એક હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યો છે

અફઘાનિસ્તાન ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનારા પૂર્વ ફાસ્ટ બોલર Shapoor Zadran હાલ જીવન અને મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. તે નવી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ તાત્કાલિક A-પોઝિટિવ બ્લડની જરૂરિયાત હોવાનું જણાવતાં લોકોને મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે.

38 વર્ષીય શાપૂર જદરાન દુર્લભ અને જીવલેણ બીમારી હેમોફેગોસાઇટિક લિમ્ફોહિસ્ટિયોસાઇટોસિસ (HLH)થી પીડાઈ રહ્યા છે. આ એવી બીમારી છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ પોતાના અંગો પર હુમલો કરવા લાગે છે, જેના કારણે બોન મેરો, લીવર અને અન્ય મહત્વના અંગોને ગંભીર નુકસાન પહોંચે છે. તેને જાન્યુઆરીથી દિલ્હીમાં સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તેઓ ICUમાં દાખલ છે.

શાપૂરના ભાઈએ સોશિયલ મીડિયા પર ભાવુક અપીલ કરતા જણાવ્યું કે તેના ભાઈને તાત્કાલિક બ્લડ અને પ્લેટલેટ્સની જરૂર છે. તેણે ખાસ કરીને દિલ્હીમાં રહેતા A-પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને મદદ માટે આગળ આવવા વિનંતી કરી છે.

શાપૂર જદરાન અફઘાનિસ્તાન ક્રિકેટના શરૂઆતના દિવસોના સૌથી મોટા હીરોમાંના એક રહ્યા છે. તેણે 44 ODI અને 36 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. 2015 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને સ્કોટલેન્ડ સામે મળેલી ઐતિહાસિક જીતમાં પણ તેનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજો, જેમાં Rashid Khan અને Mohammad Nabi જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, સતત તેના પરિવારના સંપર્કમાં છે. સમગ્ર ક્રિકેટ જગત શાપૂર જદરાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યું છે.

Exit mobile version