આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ક્રિકેટ કેનેડા સામે મોટું પગલું ભરતા તેનું સભ્યપદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. અમદાવાદમાં યોજાયેલી ICC બોર્ડ બેઠક દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ક્રિકેટ કેનેડાએ સભ્ય સંસ્થા તરીકેની જવાબદારીઓ અને નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે આ કાર્યવાહી જરૂરી બની હતી.
જોકે ક્રિકેટ કેનેડાને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, તેમ છતાં કેનેડાની રાષ્ટ્રીય ટીમો ICCની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતી રહેશે. ICCએ સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓ અને ક્રિકેટિંગ કાર્યક્રમોને નુકસાન ન પહોંચે તે માટે ફંડિંગ ખાસ દેખરેખ હેઠળ આપવામાં આવશે. આ માટે ICC મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત ફંડિંગ મિકેનિઝમ તૈયાર કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટ કેનેડા સતત વિવાદોમાં ઘેરાયેલું હતું. ગવર્નન્સ સંબંધિત પ્રશ્નો, નાણાકીય પારદર્શિતાને લઈને ઉઠેલા સવાલો અને મેચ ફિક્સિંગની તપાસ જેવા મુદ્દાઓએ સંસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર અસર પાડી હતી. અગાઉ ICCએ ક્રિકેટ કેનેડાનું ફંડિંગ પણ સ્થગિત કર્યું હતું અને હવે આખરે સભ્યપદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
ખાસ વાત એ છે કે કેનેડાએ તાજેતરમાં ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કર્યું હતું અને ટૂર્નામેન્ટમાં ભાગ પણ લીધો હતો. હવે ICC ક્રિકેટ કેનેડાને કેટલીક શરતો આપશે, જેને પૂર્ણ કર્યા બાદ જ તેના સભ્યપદની પુનઃસ્થાપના અંગે વિચારણા કરવામાં આવશે. ત્યાં સુધી કેનેડિયન ક્રિકેટ ICCની સીધી દેખરેખ હેઠળ ચાલશે.
🚨 Following the ICC Board Meeting in Ahmedabad, Cricket Canada has been suspended from its ICC membership with immediate effect due to “serious breaches of its membership obligations”
Canadian national representative teams will be eligible, however, to participate in ICC events… pic.twitter.com/BumsfzkIut
— Cricbuzz (@cricbuzz) June 1, 2026

