ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટી20 સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ હવે ભારતીય ટીમ વનડે ફોર્મેટમાં જોરદાર વાપસી કરવા આતુર છે. ખાસ વાત એ છે કે છેલ્લી વખત જ્યારે ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર વનડે સિરીઝ રમી હતી ત્યારે ટીમના કેપ્ટન રોહિત શર્મા હતા અને ભારતે 2-1થી શ્રેણી પોતાના નામે કરી હતી.
2022ની તે યાદગાર સિરીઝમાં પ્રથમ મેચમાં ભારતે 10 વિકેટે એકતરફી જીત મેળવી હતી. જોકે બીજી મેચમાં ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ત્યારબાદ મેનચેસ્ટરમાં રમાયેલી નિર્ણાયક ત્રીજી વનડેમાં ઋષભ પંતે અણનમ 125 રનની શાનદાર સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન સાથે ભારતે પાંચ વિકેટે જીત મેળવી શ્રેણી કબજે કરી હતી. તે સિરીઝમાં પંતની સદી આજે પણ ભારતીય ચાહકોને યાદ છે.
આ વખતે પણ રોહિત શર્મા જ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે. અનુભવી ખેલાડીઓની વાપસીથી ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે. ટી20માં મળેલી હારને ભૂલીને ભારતીય ટીમ વનડેમાં નવી શરૂઆત કરવા ઈચ્છે છે. રોહિત શર્માએ સિરીઝ પહેલાં નેટ્સમાં મેચ સિમ્યુલેશન પ્રેક્ટિસ કરીને પોતાની તૈયારીઓ વધુ મજબૂત બનાવી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ત્રણ મેચોની વનડે સિરીઝ 14થી 19 જુલાઈ દરમિયાન રમાશે. ક્રિકેટ ચાહકોને આશા છે કે છેલ્લી ઇંગ્લેન્ડ પ્રવાસની જેમ આ વખતે પણ ટીમ ઈન્ડિયા સફળતા હાંસલ કરશે. હવે સૌની નજર એ વાત પર રહેશે કે શું રોહિત શર્માની આગેવાનીમાં ભારત ફરી એકવાર ઇંગ્લેન્ડની ધરતી પર વનડે સિરીઝ જીતવાનો ઈતિહાસ દોહરાવી શકશે કે નહીં.
