IPL 2026 બાદ હવે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામેની હોમ સિરીઝ માટે તૈયારીઓ શરૂ કરશે. ટીમ ઈન્ડિયાને 6 જૂનથી અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્યારબાદ ત્રણ મેચોની ODI સિરીઝ રમવાની છે. આ વનડે મેચો 14 જૂને ધર્મશાલા, 17 જૂને લખનૌ અને 20 જૂને ચેન્નઈમાં રમાશે.
હાલ BCCI દ્વારા સત્તાવાર ટીમ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાની સંભવિત 15 સભ્યોની સ્ક્વોડ સામે આવી છે. રિપોર્ટ મુજબ શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે, જ્યારે અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટોપ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવશે. યુવા ઓપનર યશસ્વી જયસવાલને પણ બેકઅપ ઓપનર તરીકે તક મળવાની સંભાવના છે.
મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર અને KL રાહુલ પર મોટી જવાબદારી રહેશે. તેની સાથે હાર્દિક પંડ્યા અને નિતીશ કુમાર રેડ્ડી જેવા ઓલરાઉન્ડર ટીમને સંતુલન આપશે. તિલક વર્માને પણ મધ્યક્રમમાં વિકલ્પ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
આ સિરીઝમાં સૌથી મોટું સરપ્રાઇઝ ઈશાન કિશનની વાપસી માનવામાં આવી રહી છે. ઈશાનને વિકેટકીપર બેટર તરીકે KL રાહુલના બેકઅપ તરીકે પસંદ કરવામાં આવી શકે છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને ધ્રુવ જુરેલને સંભવિત ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. તેના અભાવે મોહમ્મદ સિરાજ પેસ એટેકનું નેતૃત્વ કરશે. પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહ તેમનો સાથ આપશે, જ્યારે સ્પિન વિભાગની જવાબદારી કુલદીપ યાદવ અને અક્ષર પટેલ પર રહેશે.
અફઘાનિસ્તાન સામેની સંભવિત ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નિતીશ કુમાર રેડ્ડી, તિલક વર્મા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

