OFF-FIELD

મહિલાઓ અંગે અપશબ્દો બોલવાનો આરોપ

ભારતના પૂર્વ ક્રિકેટર અને અભિનેતા યોગરાજ સિંહ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. યુવરાજ સિંહના પિતા તરીકે જાણીતા યોગરાજ સિંહ સામે મહિલાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપસર FIR નોંધાઈ છે. આ કાર્યવાહી ચંડીગઢના સેક્ટર-36 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે.

અહેવાલો મુજબ, વેબ સિરીઝ ‘લુક્ખે’ના એક વાયરલ વીડિયોમાં યોગરાજ સિંહ મહિલાઓ માટે અશોભનીય ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. અનેક યુઝર્સે તેમની ટિપ્પણીઓને મહિલાઓનો અપમાન ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 79 તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ 2000ની કલમ 62A હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

આ પહેલીવાર નથી જ્યારે યોગરાજ સિંહ પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં આવ્યા હોય. અગાઉ પણ તેમણે મહિલાઓને લઈને આપેલા કેટલાક નિવેદનોને કારણે ટીકા સહન કરવી પડી હતી. એક પોડકાસ્ટ દરમિયાન તેમણે કહ્યું હતું કે “મહિલાઓને વધારે પાવર આપવાથી ઘર બગડી શકે છે,” જેના કારણે પણ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો.

68 વર્ષીય યોગરાજ સિંહે વર્ષ 1980માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારત માટે 1 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી હતી. ક્રિકેટ બાદ તેઓ ફિલ્મો અને અભિનય ક્ષેત્ર સાથે પણ જોડાયેલા રહ્યા છે.

Exit mobile version