OFF-FIELD

દુનિયાનો એકમાત્ર ક્રિકેટર જેણે સર કર્યો માઉન્ટ એવરેસ્ટ

ક્રિકેટના મેદાન પર અનેક ખેલાડીઓએ રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ ન્યૂઝીલેન્ડના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન Adam Paroreએ એવું કારનામું કર્યું છે જે આજે પણ વિશ્વ ક્રિકેટમાં અનોખું માનવામાં આવે છે. એડમ પેરોરે વિશ્વના એવા એકમાત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જેણે દુનિયાની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એવરેસ્ટ સર કરી હતી.

2011માં પેરોરેએ એવરેસ્ટ અભિયાન શરૂ કર્યું હતું. શરૂઆતમાં ખરાબ હવામાન અને જોરદાર પવનને કારણે તેને પાછા ફરવું પડ્યું, પરંતુ તેણે હિંમત હારી નહોતી. બીજી કોશિશમાં તેણે લગભગ 8,848 મીટર ઊંચી ચોટી સર કરીને ઇતિહાસ રચ્યો.

એવરેસ્ટ ચડાણ દરમિયાન પેરોરેને ઓક્સિજનની ભારે તંગીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ્સ મુજબ, શિખર પર પહોંચ્યા બાદ તેઓ માત્ર 20થી 30 મિનિટ જ રહી શક્યા હતા, કારણ કે સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હતી. એક સમયે તો તેનો જીવ પણ જોખમમાં મુકાયો હતો.

એડમ પેરોરે ન્યૂઝીલેન્ડ માટે 78 ટેસ્ટ અને 179 વનડે મેચ રમ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેણે સાહસિક જીવન તરફ વળીને એવરેસ્ટ અભિયાન હાથ ધર્યું. આ અભિયાન દ્વારા તેણે બાળકો માટે કાર્ય કરતી ચેરિટી માટે ફંડ પણ એકત્રિત કર્યું હતું.

આજે પણ ક્રિકેટ જગતમાં એડમ પેરોરેનું નામ માત્ર એક ક્રિકેટર તરીકે નહીં, પરંતુ અદમ્ય હિંમત અને જુસ્સાના પ્રતિક તરીકે લેવામાં આવે છે.

Exit mobile version