ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર David Warner ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેના પર દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલો 5 એપ્રિલનો હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે સિડનીના પૂર્વી વિસ્તારમાં પોલીસે રોડસાઇડ તપાસ દરમિયાન તેની કારને રોકી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલા રેન્ડમ બ્રેથ ટેસ્ટમાં વોર્નરનું આલ્કોહોલ લેવલ કાનૂની મર્યાદાથી બમણાથી પણ વધુ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ગુરુવારે વેવર્લી લોકલ કોર્ટમાં આ મામલે પ્રથમ સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, વોર્નરને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાની જરૂર પડી નહોતી. તેના વકીલ બોબી હિલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસને કેટલાક રિપ્રેઝન્ટેશન આપવામાં આવ્યા છે અને તેના જવાબ માટે વધુ સમયની જરૂર છે.
કોર્ટ દ્વારા હવે આ કેસની આગામી સુનાવણી 24 જૂન માટે નક્કી કરવામાં આવી છે. આ સમાચાર સામે આવતા ક્રિકેટ જગતમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે.

