OFF-FIELD

ધોનીની સરખામણી નોવાક જોકોવિચ સાથે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સરખામણી ટેનિસના દિગ્ગજ નોવાક જોકોવિચ સાથે કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. વિમ્બલડન 2026 દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યૂમાં દીપ્તિએ કહ્યું કે ધોની અને જોકોવિચ બંનેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ભારે દબાણની પરિસ્થિતિમાં પણ સંપૂર્ણ શાંતિ અને ધીરજ જાળવી રાખે છે અને પોતાની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

દીપ્તિએ જણાવ્યું કે જ્યારે પણ નોવાક જોકોવિચનું નામ લેવામાં આવે છે ત્યારે તેની માનસિક મજબૂતી અને મુશ્કેલ સમયમાં પણ હાર ન માનવાની ભાવના યાદ આવે છે. તેના અનુસાર ક્રિકેટમાં જો કોઈ ખેલાડીની સરખામણી જોકોવિચ સાથે થઈ શકે તો તે મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની હંમેશા મેદાન પર શાંત દેખાય છે, પછી ભલે મેચ કેટલીય રોમાંચક કે દબાણભરી કેમ ન હોય. આ જ ગુણને કારણે તેણે પોતાના કારકિર્દી દરમિયાન અનેક વખત ભારતને અશક્ય લાગતી મેચોમાં જીત અપાવી છે.

દીપ્તિએ વધુમાં કહ્યું કે બંને ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. સૌથી વધુ દબાણ હોય ત્યારે પણ ગભરાવાના બદલે શાંત રહીને યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો અને અંત સુધી લડવાની માનસિકતા કેવી રીતે જાળવવી તે ધોની અને જોકોવિચ બંનેમાં જોવા મળે છે. તેના મતે કોઈપણ ખેલાડી માટે આ ગુણ સફળતાની ચાવી સમાન છે.

દીપ્તિ શર્માએ આ સાથે પોતાનું એક વર્ષો જૂનું સપનું પણ પૂર્ણ કર્યું. તેણે જણાવ્યું કે તેઓ ઘણા સમયથી વિમ્બલડનમાં રૂબરૂ મેચ જોવાનું સપનું જોઈ રહ્યા હતા અને હવે તે સાકાર થયું છે. તેણે કહ્યું કે અત્યાર સુધી તેઓ માત્ર ટીવી પર જ વિમ્બલડન જોતા હતા, પરંતુ ઐતિહાસિક સ્ટેડિયમમાં હાજર રહીને મેચ જોવાનો અનુભવ અદ્ભુત રહ્યો. ત્યાંનું વાતાવરણ, દર્શકોનો ઉત્સાહ અને રમત પ્રત્યેનો જુસ્સો તેને ખૂબ જ પ્રેરણાદાયી લાગ્યો. દીપ્તિએ કહ્યું કે આ અનુભવ તેઓ જીવનભર યાદ રાખશે અને તેની રમતને પણ નવી પ્રેરણા આપશે.

Exit mobile version