OFF-FIELD

ઈશાન કિશનની સરકારી નોકરીની તસવીરો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ તેની બેટિંગ નહીં પરંતુ તેમની સરકારી નોકરી છે. સોશિયલ મીડિયા પર ઈશાન કિશનની કેટલીક તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પટનાની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ઓફિસમાં ફરજ બજાવતા જોવા મળે છે. આ તસવીરો સામે આવ્યા બાદ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, ઈશાન કિશન RBIમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિયુક્ત છે. ક્રિકેટમાંથી સમય મળતા તેઓ પોતાની સરકારી નોકરીની જવાબદારીઓ પણ નિભાવે છે. વાયરલ થયેલી તસવીરોમાં ઈશાન ફોર્મલ ડ્રેસમાં ઓફિસના અન્ય કર્મચારીઓ સાથે બેઠેલા જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની સાદગી અને જવાબદારીના ભાવની પ્રશંસા થઈ રહી છે.

ઘણા ચાહકોને આશ્ચર્ય થયું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો સ્ટાર ખેલાડી સરકારી ઓફિસમાં પણ નિયમિત રીતે ફરજ બજાવે છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે લખ્યું કે ઈશાન કિશન માત્ર મેદાન પર જ નહીં, પરંતુ પોતાના વ્યાવસાયિક જીવનમાં પણ શિસ્ત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.

ઈશાન કિશન હાલમાં ભારતીય ટીમમાં સતત સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ છે. ઘરેલુ ક્રિકેટ અને વિવિધ ટી-20 ટૂર્નામેન્ટમાં તેઓ સતત સારું પ્રદર્શન કરીને ફરી ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માંગે છે. આવી સ્થિતિમાં તેમની સરકારી નોકરી સાથે ક્રિકેટ કારકિર્દીને સંતુલિત રીતે સંભાળવાની ક્ષમતા પણ ચર્ચાનો વિષય બની છે.

વાયરલ થયેલી તસવીરો બાદ ચાહકો તરફથી ઈશાનને શુભેચ્છાઓનો વરસાદ થયો છે. ઘણા લોકોએ જણાવ્યું કે ક્રિકેટર હોવા છતાં તેઓ પોતાની સરકારી ફરજને ગંભીરતાથી નિભાવી રહ્યા છે, જે યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. હાલ સોશિયલ મીડિયા પર ઈશાન કિશનની આ તસવીરો જોરદાર રીતે શેર થઈ રહી છે અને તેના વખાણ થઈ રહ્યા છે.

Exit mobile version