OFF-FIELD

સગીરા સાથે યૌન શોષણના કેસમાં કબૂલ્યો ગુનો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પૂર્વ ફાસ્ટ બોલર એરોન સમર્સે સગીરા સાથે યૌન શોષણ અને ગ્રૂમિંગ જેવા ગંભીર ગુનાઓમાં પોતાનો દોષ કબૂલી લીધો છે. તાસ્માનિયાની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સમર્સે પોતાના વિરુદ્ધના આરોપો સ્વીકાર્યા હતા. હવે તેને લાંબી જેલની સજાનો સામનો કરવો પડી શકે છે. આ ઘટના વર્ષ 2018ની છે, જ્યારે સમર્સ હોબાર્ટ હરિકેન્સ તરફથી ઘરેલું ક્રિકેટ રમતા હતા.

30 વર્ષીય એરોન સમર્સે અદાલતમાં સગીરા સાથે યૌન શોષણના બે ગુનાઓ અને બાળકને અશ્લીલ સામગ્રી બતાવવાના હેતુથી ગ્રૂમિંગ કરવાના એક ગુનામાં પોતાને દોષી ગણાવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે સમર્સે સોશિયલ મીડિયા મારફતે પીડિત સગીરાનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ બંને વચ્ચે મુલાકાત થઈ અને આ ગુનાઓ આચરવામાં આવ્યા હતા. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ભારે ચર્ચા જગાવી છે.

સમર્સ તરફથી દલીલ કરતા તેમના વકીલ કેરોલિન ગ્રેવ્સે અદાલતમાં જણાવ્યું કે આ ઘટનાઓ તેના જીવનના અત્યંત મુશ્કેલ સમય દરમિયાન બની હતી. તે સમયે તેઓ સામાજિક રીતે એકલા પડી ગયા હતા અને સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરતા હતા. વકીલે દાવો કર્યો કે સમર્સને પોતાના કૃત્ય પર પસ્તાવો છે અને ભવિષ્યમાં તેઓ આ ગુનો ફરી કરશે તેવી શક્યતા ખૂબ ઓછી છે.

વકીલે વધુમાં જણાવ્યું કે તે સમયે સમર્સ વિશ્વના સૌથી ઝડપી બોલરોમાં સામેલ હતા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તેમની મજબૂત સંભાવનાઓ હતી. પરંતુ આ કેસ બાદ ઓસ્ટ્રેલિયા કે વિદેશમાં તેની વ્યાવસાયિક ક્રિકેટ કારકિર્દીમાં વાપસી લગભગ અશક્ય બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે સમર્સ માટે આ પહેલો વિવાદ નથી. વર્ષ 2021માં પણ તેઓ બાળકોના યૌન શોષણ સંબંધિત સામગ્રી રાખવા અને શેર કરવાના કેસમાં દોષી ઠર્યા હતા, જેમાં તેને જેલની સજા પણ થઈ હતી. હાલના કેસમાં બચાવ પક્ષે સજામાં રાહતની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તે સંકેતો આપ્યા નથી. હાલ સમર્સને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને તેની સજાની જાહેરાત આગામી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે.

Exit mobile version