OFF-FIELD

આકાશ દીપના ઘરે વાગશે શહેનાઈ

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર Akash Deep હવે પોતાના જીવનની સૌથી ખાસ ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. મેદાન પર પોતાની ઘાતક બોલિંગથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકનારા આકાશ દીપ 24 જૂન, 2026ના રોજ અક્ષિતા રાજ સાથે લગ્નના બંધનમાં બંધાવાના છે. આ સમાચાર સામે આવતા ક્રિકેટ ચાહકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલો મુજબ, આકાશ દીપની થનારી પત્ની અક્ષિતા રાજ બિહારના માનિકપુર ગામની રહેવાસી છે. બંનેના લગ્ન વારાણસીમાં પરંપરાગત રીત-રિવાજો સાથે યોજાશે. લગ્ન પહેલા વિવિધ ધાર્મિક અને પારિવારિક વિધિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 21 જૂને તિલક સમારોહ, 22 જૂને મેહંદી અને 23 જૂને હળદીની વિધિ યોજાશે, જ્યારે 24 જૂને બંને સાત ફેરા લઈને નવા જીવનની શરૂઆત કરશે.

આકાશ દીપના બિહાર સ્થિત વતન બડ્ડી ગામમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો પણ પોતાના સ્ટાર ક્રિકેટરના લગ્નને લઈને ઉત્સાહિત છે. ઘરો અને રસ્તાઓને સજાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

આ લગ્ન સમારોહમાં ક્રિકેટ જગત ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. આકાશ દીપે કેટલાક ખાસ મહેમાનોને વ્યક્તિગત રીતે આમંત્રણ પણ આપ્યું હોવાનું કહેવાય છે.

તાજેતરના વર્ષોમાં ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવનાર આકાશ દીપ માટે આ ક્ષણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. ક્રિકેટ મેદાન પર સફળતા મેળવ્યા બાદ હવે તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં પણ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને 24 જૂનના આ ભવ્ય લગ્ન સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version