OFF-FIELD

મોહસિન નકવીના નિર્ણયથી પ્રભાવિત થયા શોએબ અખ્તર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ દેશના સ્થાનિક ક્રિકેટને મજબૂત બનાવવા માટે લીધેલા મોટા નિર્ણયોની હવે પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. સામાન્ય રીતે PCBની નીતિઓ અને નકવીની ટીકા કરતા જોવા મળતા શોએબ અખ્તરના બદલાયેલા સૂર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

PCBએ 2026-27 માટે સ્થાનિક ક્રિકેટનું બજેટ 3 અબજ પાકિસ્તાની રૂપિયાથી વધારીને 4 અબજ પાકિસ્તાની રૂપિયા કર્યું છે. આ ઉપરાંત ક્વાઇદ-એ-આઝમ ટ્રોફીમાં રમતા ખેલાડીઓની મેચ ફીમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પ્લેઇંગ ઇલેવનના ખેલાડીઓની ફી 30 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે રિઝર્વ ખેલાડીઓની ફી 15 હજારથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે.

શોએબ અખ્તરે આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે મોહસિન નકવી સારા વ્યક્તિ છે અને સ્થાનિક ક્રિકેટમાં રોકાણ વધારવાનો તેનો નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે. તેમના મતે, જો સ્થાનિક સ્તર મજબૂત બનશે તો ભવિષ્યમાં પાકિસ્તાન ક્રિકેટને પણ તેનો સીધો લાભ મળશે.

PCBએ માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફના હિતમાં પણ મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. પ્રાદેશિક મેદાનોમાં કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફનો લઘુત્તમ માસિક પગાર વધારીને 42 હજાર પાકિસ્તાની રૂપિયા કરવામાં આવ્યો છે. ઉપરાંત કરાચીના નેશનલ બેંક ક્રિકેટ સ્ટેડિયમ સહિત અન્ય ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે 6.7 અબજ પાકિસ્તાની રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. દેશમાં 12 નવા ક્રિકેટ મેદાનો વિકસાવવા તેમજ મહિલા ક્રિકેટ અને બાયોમેકેનિક્સ સુવિધાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.

એક સમય એવો હતો જ્યારે શોએબ અખ્તર PCB અને મોહસિન નકવીના નિર્ણયો પર સતત સવાલ ઉઠાવતા હતા, પરંતુ સ્થાનિક ક્રિકેટના વિકાસ માટે લેવામાં આવેલા આ ઐતિહાસિક પગલાં બાદ તેણે ખુલ્લેઆમ વખાણ કર્યા છે. હવે જોવાનું રહેશે કે આ સુધારાઓ પાકિસ્તાનના સ્થાનિક ક્રિકેટને કેટલા મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શન પર તેની કેવી અસર પડે છે.

Exit mobile version