OFF-FIELD

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિથી ગદગદિત શ્રેયસ અય્યર

ગ્લાસગોમાં યોજાયેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર પણ આ ઐતિહાસિક સફળતાથી ખૂબ પ્રભાવિત થયા છે અને તેમણે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને દેશના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.

શ્રેયસ અય્યરે પોતાના સંદેશમાં લખ્યું કે, “આ ભારતીય રમતગમતનું સર્વોત્તમ સ્વરૂપ છે. દરેક ખેલાડીએ દેશનું ગૌરવ વધાર્યું છે અને દરેક પર મને ગર્વ છે.” તેણે વધુમાં કહ્યું કે ખેલાડીઓએ પોતાની મહેનત, સમર્પણ અને સંઘર્ષના બળે વિશ્વ મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. અય્યરે તમામ એથ્લીટ્સને સલામ કરતાં જણાવ્યું કે તેની સિદ્ધિઓ દેશના લાખો યુવાનોને પ્રેરણા આપશે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને રહ્યું. ખાસ કરીને ભારતીય બોક્સિંગ દળે ઐતિહાસિક દેખાવ કરતાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા અને દેશને ગૌરવ અપાવ્યું.

શ્રેયસ અય્યરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ક્રિકેટ ચાહકો ઉપરાંત અન્ય રમતપ્રેમીઓએ પણ તેની પ્રશંસા કરી છે. અનેક યુઝર્સે લખ્યું કે દેશના ક્રિકેટ સ્ટાર દ્વારા અન્ય રમતોના ખેલાડીઓને મળેલું આ પ્રોત્સાહન સમગ્ર ભારતીય રમતગમત માટે સકારાત્મક સંદેશ છે.

ઉલ્લેખનીય છે કે હવે ભારતની નજર આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર છે. સાથે જ વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવાનું છે, જે ભારત માટે વધુ એક ગૌરવપૂર્ણ તક માનવામાં આવી રહી છે.

Exit mobile version