ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને તેની પત્ની ડોના ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. ગાંગુલીના કાર્યાલયમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ધમકીભર્યા પત્રો આવી રહ્યા હતા. જોકે, તાજેતરમાં આવેલા બે પત્રોમાં ગાંગુલી અને તેની પત્ની ઉપરાંત તેના નજીકના લોકોને પણ નુકસાન પહોંચાડવાની સીધી ધમકી આપવામાં આવી હતી. આ પછી સમગ્ર મામલો ગંભીર બન્યો છે.
મળતી માહિતી પ્રમાણે, શરૂઆતમાં ગાંગુલીના કાર્યાલયમાં આવતા પત્રોને ગંભીરતાથી લેવામાં આવ્યા નહોતા. એવું માનવામાં આવતું હતું કે કોઈ વ્યક્તિ વ્યક્તિગત નારાજગીના કારણે આ પ્રકારના પત્રો મોકલી રહ્યો હોઈ શકે છે. પરંતુ સોમવારે મળેલા બે નવા પત્રોમાં જાનથી મારી નાખવાની સ્પષ્ટ ધમકી મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ મામલે દક્ષિણ કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓ ધમકીભર્યા પત્રોના સ્ત્રોત અને તેને મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે કુરિયર ટ્રેલની તપાસ કરી રહ્યા છે. સાથે જ શંકાસ્પદ વ્યક્તિ સાથે જોડાયેલા મોબાઇલ નંબર અને સિમકાર્ડની વિગતો પણ તપાસવામાં આવી રહી છે.
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મળેલા તમામ ધમકીભર્યા પત્રો એક જ વ્યક્તિએ મોકલ્યા હતા કે પછી આ સમગ્ર મામલા પાછળ અન્ય કોઈ લોકો અથવા જૂથ સામેલ છે. અધિકારીઓ ટેક્નિકલ અને મેદાની બંને રીતે તપાસ આગળ ધપાવી રહ્યા છે.
હાલ સુધી સૌરવ ગાંગુલી અથવા ડોના ગાંગુલી તરફથી આ મામલે કોઈ સત્તાવાર જાહેર નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ, ગાંગુલી જેવા હાઈ-પ્રોફાઇલ વ્યક્તિ અને તેના પરિવારને મળેલી ધમકીને કારણે પોલીસ આ કેસને ગંભીરતાથી લઈ રહી છે.
Sourav Ganguly and his wife Dona Ganguly have reportedly received serious death threats through letters sent over the past few months. Kolkata Police have launched an investigation to identify the sender and determine the motive behind the threats.https://t.co/SspUldkDcN
— Circle of Cricket (@circleofcricket) August 11, 2026

