OFF-FIELD

“મિસ્ટર 360”ના ઘરે ખુશીની સિક્સર

ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન Suryakumar Yadavના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. તેની પત્ની Devisha Shettyએ ગુરુવારે એક સુંદર દીકરીને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ ખુશખબરી મળતા જ ક્રિકેટ જગતમાં અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. ચાહકો પોતાના પ્રિય “મિસ્ટર 360” માટે નવા જીવનપ્રવાસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

હાલમાં ચાલી રહેલી IPL 2026 દરમિયાન સૂર્યકુમાર યાદવ પોતાના ફોર્મને લઈને ચર્ચામાં હતા, પરંતુ મેદાનની બહાર મળેલી આ સૌથી મોટી ખુશીએ તેમના જીવનમાં નવા રંગ ભરી દીધા છે. રિપોર્ટ્સ મુજબ, પત્ની સાથે સમય પસાર કરવા માટે સૂર્યકુમારે મુંબઈ ઇન્ડિયન્સના રાયપુર પ્રવાસમાંથી થોડો વિરામ લીધો છે. હવે તે આગામી મેચ માટે સમયસર ટીમ સાથે જોડાશે કે નહીં તે અંગે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સૂર્યકુમાર અને દેવીષાની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2012માં કોલેજ દરમિયાન થઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં સૂર્યકુમારે જણાવ્યું હતું કે, “હું મિત્રો સાથે બેઠો હતો ત્યારે મારી નજર દેવીષા પર પડી અને એ ક્ષણથી જ બધું બદલાતું ગયું.” વર્ષો સુધીના સંબંધ બાદ આ કપલે 2016માં લગ્ન કર્યા હતા અને આજે તેઓ પોતાના જીવનના સૌથી સુંદર તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે.

દીકરીના જન્મની ખબર સામે આવતા ક્રિકેટ ચાહકો, સેલેબ્રિટીઝ અને સાથી ખેલાડીઓ સતત સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે સૌને રાહ છે કે સૂર્યકુમાર યાદવ ક્યારે પોતાની આ નવી ખુશી અંગે સત્તાવાર જાહેરાત કરે છે.

Exit mobile version