ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે એક ખુશખબર સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર આકાશ દીપ લગ્નના બંધનમાં બંધાયા છે. 24 જૂનના રોજ તેણે અક્ષિતા રાજ સાથે વૈદિક વિધિ મુજબ સાત ફેરા ફર્યા હતા. તેમની ભવ્ય લગ્નવિધિ ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાઈ હતી.
આકાશ દીપના લગ્ન સમારંભમાં ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. સોશિયલ મીડિયા પર તેની બારાતનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ક્રિકેટર મુકેશ કુમાર, શાહબાઝ અહમદ અને અભિમન્યુ ઈશ્વરન જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
લગ્ન સમારંભને વધુ યાદગાર બનાવવા માટે મંડપને ભગવાન શિવના મંદિરની થીમ પર સજાવવામાં આવ્યો હતો. કાશીના પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ લગ્નવિધિઓ પૂર્ણ કરાવી હતી. સમારંભમાં અંદાજે 300 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો માટે બનારસી વાનગીઓ ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય વાનગીઓની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતા પવન સિંહ પણ આકાશ દીપને આશીર્વાદ આપવા લગ્ન સમારંભમાં પહોંચ્યા હતા. તેમના આગમનથી સમારંભમાં વધુ રંગત આવી હતી.
આકાશ દીપની પત્ની અક્ષિતા રાજ મૂળ બિહારના રોહતાસ જિલ્લાના મણિકપુર ગામની રહેવાસી છે. તેમનો ઉછેર અને અભ્યાસ ડેહરીમાં થયો છે. તેણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી BCA અને MCAની ડિગ્રી મેળવી છે. બંને પરિવારોની સંમતિથી આ એક અરેન્જ મેરેજ હોવાનું જાણવા મળ્યું છે.
આકાશ દીપના લગ્નના સમાચાર સામે આવતા ક્રિકેટ જગત અને ચાહકો તરફથી તેને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
Heartiest congratulations to Akash Deep on his marriage. Wishing the couple a happy and blessed life ahead! 😍✨#Cricket #AkashDeep #India pic.twitter.com/Aor6efmvnj
— Sportskeeda (@Sportskeeda) June 25, 2026

