OFF-FIELD

વૈભવ સૂર્યવંશીના નાના ભાઈએ માર્યા 20 ચોગ્ગા અને 1 છગ્ગા

ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી બાદ હવે તેમના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. માત્ર 10 વર્ષની ઉંમરે આશીર્વાદે સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેની આ શાનદાર ઇનિંગ બાદ સોશિયલ મીડિયા પર પણ તેની ભારે ચર્ચા થઈ રહી છે.

સમસ્તીપુરમાં રમાયેલી એક સ્થાનિક મેચમાં આશીર્વાદે માત્ર 87 બોલમાં 103 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 20 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થયો હતો. એટલે કે કુલ 21 બાઉન્ડરી સાથે તેણે વિરોધી બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. આશીર્વાદની આ ઇનિંગના કારણે તેની ટીમ 29.5 ઓવરમાં 234 રનનો મજબૂત સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી.

રસપ્રદ વાત એ છે કે જ્યાં વૈભવ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે, ત્યાં આશીર્વાદે આ ઇનિંગ દરમિયાન ધીરજ અને સમજદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. તેમણે પસંદગીના શોટ્સ રમતાં ઇનિંગને આગળ વધારી અને સદી સુધી પહોંચ્યા.

આશીર્વાદની સિદ્ધિની માહિતી તેના મોટા ભાઈ ઉજ્જ્વલ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે ફોટા, વીડિયો અને સ્કોરકાર્ડ પોસ્ટ કરીને નાના ભાઈને અભિનંદન પાઠવ્યા હતા. પરિવારના સભ્યો ઉપરાંત ક્રિકેટ ચાહકોએ પણ આશીર્વાદના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પિતા સંજીવ સૂર્યવંશીએ પણ પુત્રની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. વૈભવ પહેલેથી જ ભારતીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે, ત્યારે હવે આશીર્વાદની આ સદી બાદ એવું લાગી રહ્યું છે કે સૂર્યવંશી પરિવાર ભારતીય ક્રિકેટને વધુ એક પ્રતિભાશાળી ખેલાડી આપવા તૈયાર છે.

Exit mobile version