OFF-FIELD

Vape વીડિયોને લઈને યુઝવેન્દ્ર ચહાલ ચર્ચામાં

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહાલ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચહાલ ફ્લાઇટ દરમિયાન વેપ (Vape) કરતા દેખાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના વ્લોગમાંથી સામે આવ્યો છે, જેમાં પાછળની સીટ પર બેઠેલા ચહાલના હાથમાં વેપ જેવી ડિવાઇસ જોવા મળી હતી.વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે ભારતમાં Vape અને E-Cigarette પર પ્રતિબંધ છે, તેમજ CISF અને એરપોર્ટ સિક્યુરિટી આવા સામાનને ફ્લાઇટમાં લઈ જવાની મંજૂરી આપતી નથી, ત્યારે આ ડિવાઇસ ફ્લાઇટની અંદર સુધી કેવી રીતે પહોંચી? કેટલાક લોકો એરપોર્ટ સિક્યુરિટી અને ચેકિંગ પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

ભારતમાં 2019થી E-Cigarette અને Vape સંબંધિત પ્રોડક્ટ્સના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લાગુ છે. ઉપરાંત, ફ્લાઇટની અંદર સ્મોકિંગ અથવા વેપિંગ કરવું પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત માનવામાં આવે છે. જોકે, વાયરલ વીડિયોમાં દેખાતી વસ્તુ ખરેખર વેપ હતી કે નહીં તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ મામલે અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહાલ, અર્શદીપ સિંહ અથવા પંજાબ કિંગ્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેમ છતાં, વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ફેન્સ વચ્ચે ચર્ચાનો મોટો વિષય બની ગયો છે.

Exit mobile version