ભારતીય એથ્લેટિક્સ માટે ગૌરવનો ક્ષણ સર્જતા પંજાબના યુવા સ્પ્રિન્ટર Gurindervir Singh એ 100 મીટર દોડમાં નવો નેશનલ રેકોર્ડ બનાવી ઇતિહાસ રચ્યો છે. રાંચીમાં યોજાયેલા 29મા ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 દરમિયાન ગુરિંદરવીરે માત્ર 10.09 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને ભારતના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ શાનદાર પ્રદર્શનના કારણે તેણે આગામી Asian Games અને Commonwealth Games માટે પણ ક્વોલિફાય કર્યું છે.
ગુરિંદરવીરની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર દેશમાંથી તેને અભિનંદન મળી રહ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો Yuvraj Singh અને Virender Sehwag એ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને તેની પ્રશંસા કરી હતી.
યુવરાજ સિંહે પોતાના સંદેશમાં લખ્યું કે, “100 મીટરમાં 10.09 સેકન્ડનો નેશનલ રેકોર્ડ બનાવી ઇતિહાસ રચવા બદલ ગુરિંદરવીરને અભિનંદન. ભારત વૈશ્વિક સ્તરે આવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે તે ગૌરવની વાત છે. ખાસ કરીને પંજાબ સતત દેશને નિડર અને જુસ્સાદાર ખેલાડીઓ આપી રહ્યું છે.”
બીજી તરફ વીરેન્દ્ર સહવાગે પણ ગુરિંદરવીરની સિદ્ધિને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. તેણે લખ્યું કે, “ભારતીય નૌસેનાના અધિકારી ગુરિંદરવીર સિંહે 100 મીટરમાં 10.09 સેકન્ડનો સમય નોંધાવી નવો નેશનલ રેકોર્ડ બનાવી ઇતિહાસ રચ્યો છે.”
ફાઇનલ રેસમાં ગુરિંદરવીરને Animesh Kujur તરફથી કડક પડકાર મળ્યો હતો. સેમિફાઇનલમાં પહેલા ગુરિંદરવીરે 10.17 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં અનિમેષે 10.15 સેકન્ડ સાથે તે રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોકે ફાઇનલમાં ગુરિંદરવીરે શાનદાર વાપસી કરીને 10.09 સેકન્ડનો ઐતિહાસિક સમય નોંધાવ્યો, જ્યારે અનિમેષ 10.20 સેકન્ડ સાથે બીજા સ્થાને રહ્યા.

