ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ Chennai Super Kings સાથે જોડાયેલા મહાન ક્રિકેટર MS Dhoniના ભવિષ્યને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. IPL 2026 દરમિયાન ઈજાના કારણે ધોની એકપણ મેચમાં મેદાન પર જોવા મળ્યા નહોતા, જેના કારણે ચાહકો વચ્ચે સતત સવાલ ઉઠી રહ્યા હતા કે હવે ધોનીનો આગામી રોલ શું રહેશે. હવે આ મુદ્દે CSKના CEO કાસી વિશ્વનાથને મોટું નિવેદન આપ્યું છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિશ્વનાથને જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટે હજુ સુધી ધોની સાથે તેની ભવિષ્યની ભૂમિકા અંગે કોઈ સત્તાવાર ચર્ચા કરી નથી, કારણ કે અંતિમ નિર્ણય હંમેશા ધોની પોતે જ લે છે. તેણે સ્પષ્ટ કહ્યું કે CSK હંમેશા ધોનીને ટીમ સાથે કોઈ ને કોઈ રૂપમાં જોડાયેલા જોવા માંગે છે. ભલે તે ખેલાડી તરીકે હોય, મેન્ટર તરીકે કે પછી હેડ કોચ તરીકે.
CSKના ખરાબ પ્રદર્શન બાદ હાલના હેડ કોચ Stephen Flemingની ભૂમિકાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ટીમ સતત ત્રીજી વખત પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ફેરફારની માંગ ઉઠી રહી છે. પૂર્વ ભારતીય સ્પિનર Ravichandran Ashwinએ પણ તાજેતરમાં ધોનીને CSKનો આગામી હેડ કોચ બનાવવાનો સમર્થન આપ્યું હતું.
વિશ્વનાથને વધુમાં કહ્યું કે ધોની CSK માટે માત્ર એક ખેલાડી નથી, પરંતુ ટીમની ઓળખ છે. તેથી તેઓ ભવિષ્યમાં જે પણ ભૂમિકા પસંદ કરશે, ફ્રેન્ચાઇઝી તેનો સંપૂર્ણ સન્માન કરશે. હવે આવનારા સમયમાં ધોની કોચિંગ સ્ટાફમાં જોડાય છે કે ફરી મેદાન પર વાપસી કરે છે, તેના પર સૌની નજર રહેશે.
