રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાના વનડે અને ટેસ્ટ કેપ્ટન કોણ હશે તે એક મોટો સવાલ છે. આ સવાલ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે મોટો દાવો કર્યો છે. શ્રીધરે કહ્યું છે કે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે.
તેમના મતે રોહિતના નિવૃત્તિ બાદ શુભમન ગિલને વનડે અને ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવશે. શ્રીધરે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.
આર શ્રીધરે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે શુભમન ગિલ તમામ ફોર્મેટનો ખેલાડી છે અને તે રોહિત શર્માનો ઉત્તરાધિકારી બનશે. તે ટેસ્ટ અને વનડેમાં રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનશે. શ્રીધરે આશા વ્યક્ત કરી કે શુભમન ગિલ 2027ના વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનશે.
શ્રીધરના શબ્દોમાં યોગ્યતા જણાય છે કારણ કે ટીમ ઈન્ડિયાએ એક રીતે શુભમન ગિલને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દીધો છે. શ્રીલંકા સીરીઝ પહેલા જ ગિલને ટીમ ઈન્ડિયાનો ODI અને T20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેને વાઇસ કેપ્ટન બનાવવાના અહેવાલો સામે આવ્યા છે. હવે જોઈએ કે આગળ શું થાય છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ આ દિશામાં ઈશારો કરી રહી છે.
જોકે, શુભમન ગિલ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવું એટલું સરળ નથી. આ માટે સૌથી પહેલા તેણે સતત પ્રદર્શન કરવું પડશે, જે અત્યાર સુધી તેના માટે ઘણું મુશ્કેલ લાગતું હતું. ખાસ કરીને ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં તે સતત પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.